Friday, 6 September 2013

બોલિવૂડનો નવા પ્રદેશ અને સંસ્કૃતિનો નવો એંગલ

      
દિગ્દર્શકોનો ભારતના જુદા જુદા પ્રદેશ અને સંસ્કૃતિને આજના બદલાતા સમયના સંદર્ભમાં ફિલ્મના દર્શકોની સામે રજૂ કરવાનો નવો એંગલ છે.  


    



આજના સમયમાં વ્યાવસીઈક સફળતા એ દરેક ફિલ્મના નિર્માણનો અંતિમ હેતુ હોય છે. યેનકેન પ્રકારે ફિલ્મને સફળ કરવાના દરેક દિગ્દર્શકોના પોતાના અલગ  અલગ ફંડા હોય છે. કોઈકને સ્ટાર કાસ્ટ મહત્ત્વની લાગે છે તો કોઈકને બજેટ, કેટલાક નવોદિતો દ્વારા દર્શકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે તો બીજાંઓને ફિલ્મની સ્ટોરી મહત્ત્વની લાગે છે. આ બધા તત્ત્વો ભલે મહત્વના હોય પણ ફિલ્મની મૂળ પ્રકૃતિ વગર તેને સફળ બનાવવાનો વિચાર અધૂરો છે. આજ સુધી ફિલ્મોને સુપરહિટ કરવા દિગ્દર્શકો અવનવા પ્રયોગો સાથે દર્શકોની સામે આવ્યા છે, પણ ફિલ્મમાં પરોવાયેલી કળા અને નવીનતા જ હંમેશાં નિર્ણાયક રહી છે. લાંબા સમયથી એક સ્માર્ટ સ્ટાઈલિશ હીરો, દેખાવડી હિરોઈન, તેમનો પ્રેમ અને વિલન એ બોલિવૂડના પડદા પર કબજો કરી રાખ્યો છે. બોલિવૂડના દિગ્દર્શકોને એજ એકડો ઘુંટવાની આદત રહી છે, પણ બોલિવૂડના કેટલાક દિગ્દર્શકો આજે આઉટ ઓફ બોક્સ કોનસેપ્ટની સાથે એક નવો જ એંગલ અજમાવી રહ્યા છે. પહેલાં બોલિવૂડના ફિલ્મોની કથાવસ્તુ શહેરી પરિવેશના હાઈક્લાસ સોસાયટીના જીવનની આજુબાજુ ગુંથાયેલી રહેતી. શહેરના વૈભવશાળી પિતાનો હેન્ડસમ દીકરો, પોશ બંગ્લોઝ, લગ્ઝરિયુઝ ગાડીઓ, શહેરનો મોટો માફિયા, બોલ્ડ અને ગોરીચિટ્ટી શહેરી વાતાવરણમાં ઉછરેલી મોડર્ન હિરોઈન, આમ એકંદરે બોલિવૂડની ફિલ્મો શહેર, હાઈક્લાસ સોસાયટી, સ્ટાઈલિશ હીરો અને હિરોઈનની આગળ પાછળ જ ફરતી રહે છે, પણ પાછલા કેટલાક વર્ષોથી બોલિવૂડની ફિલ્મોનો કેમેરો હવે ભારતના જુદા જુદા પ્રદેશની ગલીઓ ફંફાળતો ત્યાંના મોજીલા લોકોનું જીવન, તેમની સંસ્કૃતિ, ભાષા અને તેમની જટિલ જીવનશૈલીમાંથી આકાર લેતા જીવનના જુદા જુદા રંગોને ફિલ્મના પડદા પર ઊતારી રહ્યો છે.
      ભારતના જુદા જુદા પ્રદેશ, ભાષા અને સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ પર ત્યાંના લોકોનું જીવન ચિતરતી આવી જ ફિલ્મોએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના ફિલ્મ એવોર્ડ્સમાં તેમનો ડંકો વગાડ્યો છે, અને વ્યાપક રીતે વખણાયેલી આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પણ તેમનો જાદુ ચલાવ્યો છે. આજ ટ્રેન્ડને ફોલો કરતી ફિલ્મોમાં સિંઘમ, આરક્ષણ, સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર, ગેંગ્સ ઓફ વાસેપુર, કહાની, પાનસિંઘ તોમર, ઈશકઝાદે, ચક્રવ્યૂહ અને સનઓફ સરદાર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે તેમજ હાલમાં જ આવેલી કાઈપો છે, મટરુ કી બીજલી કા મંડોલા, રાંઝણા, ઈસક, લૂંટેરા અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મોમાં પણ ભારતના જુદા જુદા પ્રદેશો અને સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ લેવાથી ફિલ્મો ક્યારેક બનારસની લોકપરંપરા જેવી બહુરંગી તો ક્યારેક બંગાળના સાહિત્ય જેવી ક્લાસિક અને દક્ષિણ ભારતની પરંપરાગત જીવનશૈલીના જુદા જુદા ધાગાઓને ખોલતી લાગે છે.            
       રોહિત શેટ્ટી દિગ્દર્શિત બ્લોકબસ્ટર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં પણ દક્ષિણ ભારતની પૃષ્ઠભૂમિ લેવામાં આવી છે. ફિલ્મના નામથી જ આપણને દક્ષિણ ભારતના પ્રદેશનો ખ્યાલ આવે છે. ફિલ્મમાં  દીપિકા પદુકોણે ભજવેલું મીનમ્મા એટલે કે મીનાલોચની અઝઘુસ્સુન્દરમ નામની તામિલ યુવતીનું પાત્ર, તેની તામિલ બોલી, દક્ષિણ ભારતીય ઉચ્ચારોમાં તેનો  હિન્દી શબ્દોનો ઉચ્ચાર, ફિલ્મમાં હીરો એટલે કે શાહરૂખ બદલ પ્રેમ વ્યક્ત કરતા દીપિકાના દાક્ષિણાત્ય પદ્ધતીના હાવભાવ અને તેની અભિવ્યક્તિ, દીપિકાએ પહેરેલી દક્ષિણ ભારતીય કાંજીવરમ સાડી, દક્ષિણમાં આવતો દૂધસાગરનો ધોધ, ત્યાંનું નૈસર્ગિક સૌંદર્ય, મીન્નમાંના પિતા તેમજ ફિલ્મનો ખલનાયક. આ બધા વચ્ચે ભિન્ન સંસ્કૃતિના શાહરૂખ અને દીપિકા વચ્ચે આકર લેતો પ્રેમ દર્શકોના મનમાં એક આગવું આકર્ષણ જન્માવે છે અને દક્ષિણ ભારતીય પ્રદેશનું સૌંદર્ય અને સંસ્કૃતિને દર્શકોની સમક્ષ રજૂ કરે છે.   
     બનારસની ગલીઓ અને ત્યાંના ઘાટ હજારો વર્ષોથી લોકોના કુતૂહલ અને શ્રદ્ધાનો વિષય રહ્યા છે. ગંગાના પ્રવાહ સાથે જોડાએલી ત્યાંની સંસ્કૃતિ, ધાર્મિકતા, બોલી, ભાવુકતા, પ્રેમ, તે પ્રદેશની માટીથી જોડાયેલી જીવનશૈલી ફિલ્મ રાંઝણામાં જોવા મળે છે. આ ફિલ્મ આમ તો બનારસની ગલીઓમાં બે જુદા જુદા ધર્મોમાં ઉછરેલા યુવક અને યુવતીની પ્રેમ કથા વીશે છે, પણ ફિલ્મમાં આવતા બનારસના ઘાટ, ઘાટના મંદિરોમાં થતી સાંજની સામુહિક આરતી,  ફિલ્મમાં આવતો રામલીલાનો ઉત્સવ, ધનુષે ભજવેલું બનારસના ભોળા યુવકનું પાત્ર, દર્શકોને બનારસના પ્રેમમાં પાડે એવું છે. ફિલ્મ રાંઝણામાં બનારસની ગલીઓમાં ખીલતા પ્રેમ કથા પર ત્યાંના પ્રદેશ અને સંસ્કૃતિનો રંગ ચઢેલો દેખાય છે.
     સુજોય ઘોષની ફિલ્મ કહાની સાહિત્ય સમ્રાટ રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિ પશ્ચિમ બંગાળના શહેર કોલકાત્તામાં ફિલ્માવવામાં આવી હતી. રવીન્દ્રનાથ ટાગોર લેખિત બંગાળી સંસ્કૃતિનું ધ્યેય ગીત એકલા ચાલો રેની મધ્યવર્તી કલ્પનાથી પ્રેરિત આ ફિલ્મમાં ઉમ્મીદ અને આશાની કિરણ શોધતી એક સગર્ભા મહિલા તેના પતિના હત્યારાની શોધ કરતી બતાવવામાં આવી છે. વિદ્યા બાલને ફિલ્મમાં વિદ્યા બાગચી નામની બંગાળી મહિલાના પાત્રનો અભિનય કર્યો છે. મેટ્રોપોલિટન શહેર કોલકાત્તાની ગીચ ગલીઓ અને રસ્તાઓ પર ભટકતી વિદ્યા બાલન, ત્યાંના પોલીસ સ્ટેશન તેમજ કોલકાત્તાના પાત્રોની બોલીમાં આવતો બંગાળી લહેકો, પરમબ્રત બેનર્જીએ ભજવેલું પોલીસ ઈન્સ્પેક્ટરનું પાત્ર, ફિલ્મમાં આવતો પશ્ચિમ બંગાળનો દૂર્ગા પૂજાનો ઉત્સવ, પાત્રોના પોશાક આ બધું ફિલ્મના દર્શકોનો પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ અને પ્રદેશ સાથે મનોરંજક રીતે પરિચય કરાવે છે.
     અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરના બંને ભાગોમાં ઝારખંડના ધનબાદ જીલ્લાના વાસેપુર ગામના કોલ માફિયાઓ વચ્ચેના સંઘર્ષની કથા છે. ફિલ્મમાં ઝારખંડનો પ્રદેશ બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં આવતા પાત્રોના નામો, લોક ગીતના સુરે ગવાએલા ઓ વુમનિયા જેવા ગીતો, ગામમાં ખુલ્લેઆમ વેચાતા હથિયારો તેમજ રાજનેતાઓનો ભ્રષ્ટાચાર, જુદ જુદા સમાજ અને ધર્મના લોકોનો સહ સબંધ, ફિલ્મમાં આવતો લગ્ન સમારંભ, ફિલ્મના આ બધા ધાગા દ્વારા દર્શક ધનબાદ પ્રદેશના ઈતિહાસ અને ત્યાની જીવનશૈલીથી જોડાય છે. મનોજ બાજપાઈએ ભજવેલું સરદાર ખાનનું દબંગ માફિયાનું પાત્ર  તેમજ રિચા ચઢ્ઢાએ ભજવેલું કઠોર હ્રદયની સ્ત્રીનું પાત્ર, ફિલ્મના બીજા ભાગમાં નવાઝુદ્દીને ભજવેલું માફિયા ફૈઝલ ખાનનું પાત્ર અને હુમા અને તેના પ્રણયથી ઉકેલાતી ગામની યુવા વર્ગની પ્રેમ કલ્પના તેમજ ફિલ્મના બંને ભાગોમાં આવતો ખલનાયક રામાધીર સિંઘ અને ફિલ્મમાં આવતા બીજા પાત્રોને આપણે નિહાળીએ તો આપણને તેમના સ્વભાવ ભાષા અને વ્યક્તિત્વમાં ઝારખંડની વાસ્તવિકતા, ભાષા, પ્રદેશની પરંપરા જોવા મળે છે. જે આ પહેલા આટલી અચૂક રીતે બોલિવૂડની કોઈ ફિલ્મમાં લેવાઈ નથી. ફિલ્મમાં આવતા પારિવારિક સંવાદો, પ્રેમ અભિવ્યક્તીની રીત, પરિવર્તનથી જન્મેલા આસપાસના પરિવેશની જટિલ વાસ્તવિકતા અને જાણ, ફિલ્મમાંથી ઉદ્ભવતું મનોરંજન, હાસ્ય, પ્રેમ અને આનંદને તે પ્રદેશની માટીની સુગંધ છે. જે દર્શકોના દિલોને સ્પર્શી ગઈ હતી.
     આમ સિંઘમ જેવી ફિલ્મમાં કોંકણના મહારાષ્ટ્રની સંસ્કૃતિમાં ઉછરેલા નાયકની કથા મનોરંજક રીતે પીરસવામાં આવી છે તો પાનસિંઘ તોમર ફિલ્મમાં મધ્યપ્રદેશના મુરૈના જીલ્લાના સિપાહીની કથા છે. ફિલ્મમાં ત્યાની પ્રાદેશીક બોલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક સમયે આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે દેશનું નામ રોશન કરનાર પાન સિંઘને પારિવારિક ઝઘડાની કારણે તેની જમીન છીનવાઈ જતાં પોતાના હક માટે મજબૂરીથી હથિયાર ઉપાડવા પડે છે અને સરકાર તેને ડાકુ ઘોષિત કરીને મારી નાખે છે. આ ફિલ્મમાં મધ્ય પ્રદેશના પાનસિંઘ તોમરની કથાની સાથો સાથ ત્યાંનું સામાજિક જીવન, પારિવારિક સંઘર્ષ અને તેથી સર્જાતી સામાન્ય માણસની શોકાન્તિકા દર્શકોને ગમગીન કરી નાખે છે. ચેતન ભગતની નોવેલ 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ પર આધારિત ફિલ્મ કાઈપો છેમાં પણ ગુજરાતના અમદાવાદમાં આકાર લેતી ત્રણ મિત્રોની કથા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં ગુજરાતના વર્તમાન સંદર્ભો સાથે જોડાયેલા ત્રણ યુવકોની માનસિકતા અને તેથી ઘટતી જુદી જુદી ઘટનાઓને કલાત્મક રીતે દર્શાવવામાં આવ્યું હતું, ફિલ્મમાં ગુજરાતના રાજકારણ અને ઈતિહાસની ધટનાના સંદર્ભો, ગુજરાતી સંવાદો, અહીંની માનસીકતાના રોગોને બહાર પાડે છે. સાહજિક રીતે ભારતભરના દર્શકોએ આ ફિલ્મને પસંદ કરી હતી. બોલિવૂડના કેટલાક દિગ્દર્શકોનો ભારતના જુદા જુદા પ્રદેશ અને સંસ્કૃતિને આજના બદલાતા સમયના સંદર્ભમાં દર્શકોની સામે રજૂ કરવાનો નવો એંગલ સફળ નિવડ્યો  છે.  


No comments:

Post a Comment