Tuesday, 23 July 2013

ઉજ્વળ ઈતિહાસની સફરે

ઉજ્વળ ઈતિહાસની સફરે

    નાનપણથી જ વડીલોના મોઢેં સાંભળેલા અને ઈતિહાસના પુસ્તકોમાં વાંચેલા વીર છત્રપતિ શિવાજી, શ્રીમંત બાજીરાવ પેશવા, માવળા, મરાઠા સામ્રાજ્યનો  ઈતિહાસ અને સંસ્કૃતિ મારે માટે હંમેશાં પ્રેરણા, સ્ફૂર્તિ અને ગૌરવની અખૂટ સ્ત્રોત રહયા છે. જ્યારે મને ખબર પડી કે પુણેની કોલેજમાં મને પ્રવેશ મળ્યો છે અને મારે પૂણે જવાનું છે ત્યારે મારા ઉત્સાહનો પાર ન રહ્યો. મેં ફટાફટ મોબાઈલ પર ટ્રેન જોઈ, સુરતથી એ દિવસે (ગુરુવાર) રાત્રે 12 વાગ્યાની ટ્રેન હતી. મેં સામાન પેક કર્યો અને નીકળવા માટે તૈયાર!  સદભાગ્યે મને ટ્રેનમાં જગ્યા મળી ગઈ. 8 કલાકનો પ્રવાસ હતો. રાત્રે સૂઈને સવારની પહોરમાં મારી આંખો ખૂલી તો મેં જોયું કે ટ્રેને કરજત સ્ટેશન છોડી દીધું હતું. જૂનનો મહિનો હોવાથી ઝરમરતો વરસાદ ચાલું હતો. અમારી ટ્રેન સહ્યાદ્રિની પર્વતમાળાઓમાંથી પસાર થઈ રહી હતી. આંખોની સામેનું દ્રશ્ય અદભુત હતું કારણ કે વીર અને વાત્સલ્ય રસનું અદભુત સૌંદર્ય સહ્યાદ્રિની પર્વતમાળામાંથી સરી રહ્યું હતું. નિસર્ગ જાણે સહ્યાદ્રિનો અભિષેક કરી રહ્યો હતો, ચો તરફથી ધુમ્મસથી વિંટળાયેલા લીલાછમ પર્વતની ટોચ પરથી એક સાથે વહેતાં ઝરણાં મનને મોહી રહ્યાં હતાં. પર્વતોને કોરીને બનાવેલી ટનલમાંથી પસાર થતી ટ્રેન બેઠાં બેઠાં રોમાંચની રાઈડ કરાવી રહી હતી. અમારી ટ્રેન ભોર ઘાટના ટોચ પર આવેલા ઠંડી હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા ખંડાલા હિલ સ્ટેશન પર રોકાઈ. આખે આખું ખંડાલા ભિનાસભર્યા ધુમ્મસથી વિંટળાયેલું હતું. આગળ લોનાવલા ઊતરીને લોકલ ટ્રેન પકડી હું 7:45ની આસપાસ તળેગાંવ પહોંચી ગયો. એક કલાકમાં કોલેજની ફોર્મલિટી પૂરી કરી મેં તળેગાંવથી લોકલ પકડી પુણે તરફ જવા રવાના થયો. મારી સવારી ઈતિહાસનાં ફરી એ જ પાના ઉલથાવવાં આતુર થઈ રહી હતી. શિવાજી નગર પુણે મહાનગરનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. અહીં ઊતરીને હું સ્ટેશનની બહાર આવ્યો. બહાર પીએમટીની બસો હતી, પણ મેં ચાલતાં જ જવાનું નક્કી કર્યું. પૂછતા પૂછતા વીસ મિનિટમાં મારી સામે શનિવાર વાડાનો અભેદ્ય કિલ્લો તેના એજ માન- મરતબા અને પેશવાઈ રૂઆબમાં ઊભો હતો. તેના પ્રાંગણમાં શ્રીમંત બાજીરાવ પહેલાનું પૂતળું તેમની તેજસ્વી મુદ્રામાં ઊભેલુ દેખાય છે. પહેલા બાજીરાવ પેશવાએ આ શનિવાર વાડો બનાવડાવ્યો હતો. શનિવાર વાડાને 950 ફૂટ લાંબી કિલ્લેબંદી છે. તે 1732માં પૂર્ણ રીતે બની ગયો હતો. છત્રપતિ શિવાજી મહારાજના પ્રયાણ પછી આ જ મરાઠા સામ્રાજ્યનું રાજકીય કેન્દ્ર હતું. રણજીત દેસાઈની સ્વામી મેં વાંચી હતી. તેમાં વર્ણવવામાં આવેલી દરેક જગ્યાને શોધતો હું આગળ વધી રહ્યો હતો.  ભવ્ય દિલ્હી દરવાજાથી અંદર પ્રવેશ કરતા જ સામે ભૂતકાળમાં રહેલા મહાલોનો ચોતરો જોવા મળે છે. માધવરાવ માટે બનાવામાં આવેલા હજારી  ફુવાર જોઈને સ્વામીમાં લખાયેલી માધવરાવની સવારનું દ્રશ્ય મારી આંખો સમક્ષ ખૂલી ગયું હતું. અહીં 7 માળના જુદા જુદા ગણેશમહલ, રંગમહલ, હસ્તીદંતમહલ, દિવાન ખાના અને આરસામહલ હતા, જે 1827 માં લાગેલી આગમાં સળગી ગયા હતા. કિલ્લાના 5 દરવાજા મારી સામે હતા. દીવાલો પર દોરેલા મહાભારત અને રામાયણના ચિત્રો આજે નામશેષ છે. હું એક એક મહાલના ચોતરા પર લાગેલા ફલકને વાંચી રહ્યો હતો. શ્રીમંત બાજીરાવ મસ્તાની જેમણે 36થી વધું ચઢાઈઓ કરી હતી અને એક પણ યુદ્ધ હાર્યા ન હતા, થોરલે માધવરાવ અને શૂરવીર રઘુનાથ રાવ જેમની તલવારોથી મુઘલો અને અફઘાની રાજાઓ કાંપતા હતા. હિન્દુસ્તાનનું સ્વરાજ્ય જેમણે માત્ર ટકાવ્યું નહી પણ છેક અટક સુધી તેનો વિસ્તાર કર્યો. એવા પેશવાઓના મહલમાં હું ફરી રહ્યો ત્યારે સ્મરણમાં રહેલો તેમનો ઈતિહાસ ફરી ઉજાગર થતો હતો.

    શનિવાર વાડાની બાજુમા જ છત્રપતિ મહારાજનો લાલ મહાલ હતો. 16 વર્ષની ઉંમરે જેમણે બહામની સલ્તનતનો નાશ કરી સ્વરાજ્યની સ્થાપનાના રણશિંગા ફૂંક્યા. મુઘલોને હંફાવ્યા અને સ્વદેશના લોકોના દટાયેલો આત્મસન્માન અને ગૌરવ જગાવ્યા એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો આ મહાલ હતો. મહાલમાં પ્રવેશતાં જ  મોટો હોલ છે. જ્યાં છત્રપતિ શ્રીના રાયગઢના કિલ્લાનું માનચિત્ર છે. ઉપર જતાં, પહેલાં માળે ચિત્રો દ્વારા છત્રપતિના જીવનકાળને બતાવવામાં આવ્યું છે. ત્યાં જ તેમની કેટલીક તલવારો, અને તે સમયના હથિયારો મૂકવામાં આવ્યા છે. ખૂલ્લા હોલમાં માટીથી બનાવેલું તેમના સામ્રાજ્યનું માનચિત્ર જોઈ શકાય છે. આ બધુ જોયા પછી મારી આંખો એ ખીડકીને શોધી રહી હતી જ્યા શિવાજી મહારાજે શાહિસ્તા ખાનની આંગળીઓ કાપી તેનામાં ખોફ ભરી દીધો હતો. અહીંની દરકે જગ્યા ખાસ હતી. મનોમન મહારાજને પ્રણામ કરી હું બહાર નીકળ્યો. તે પછી નજદીકમાં જ આપ્પા બળવંત ચોક છે. જે પુસ્તકોના બજાર તરીકે જાણીતું છે. અહીં બધા જ વિષયોના અને બધા જ પ્રકાશકોના પુસ્તકો મળી રહે છે. તેથી આગળ ચાલતા થોડા અંતરે દગડું શેઠ ગણપતિનું મંદિર છે. ગણપતિ એ પહેલાંથી જ મહારાષ્ટ્ર અને પેશવાઓના આરાધ્ય દૈવત રહ્યા છે. સ્થાપિત થયેલી  વિનાયકની મૂર્તિ જોતાની સાથે તમારુ મન પ્રસન્ન થઈ જાય છે. ગણેશજીની પ્રતિમાને સુવર્ણના અલંકારોથી સજાવવામાં આવી છે.ત્યાંથી ગણેશજીનો આશીર્વાદ લઈ હું તળેગાંવ તરફ પાછો ફર્યો. બીજા દિવસે રહેલા કામો પૂરા કરી, બાકી રહી ગયેલા સ્થળોએ પછીથી જવાની ઈચ્છા સાથે હું ટ્રેનથી સુરત પાછો ફર્યો.